આપણું મોટાભાગનું દુઃખ 'મને એમ કે...' આ એક માત્ર વિચારથી ઊભું કરીએ છીએ. ઘરમાં કોઈ વસ્તુ ગુમ થઈ એટલે આપણે બીજા કોઈને પૂછતા નથી પણ શોધવા મથ્યા રાખીએ..જ્યારે ઘણા પ્રયાસ પછી કોઈ ઘરમાં આપણને પૂછે અને આપણે જ્યારે તે વસ્તુ વિશે વાત કરીએ એટલે ઘરની વ્યક્તિ તરત આપણી સમક્ષ રજૂ કરી દે. પછી તે સવાલ કરે કે મને પૂછવું જોઈએ ને? તમે ક્યારનાય ગોત્યા કરો છો તે!? ત્યારે આપણે જવાબ આપીએ છીએ 'મને એમ કે તમને ખબર નહીં હોય ...' (અલ્યા પણ મને એમ કે સાઈડમાં મૂકીને પૂછી લો ને..!!!)
આપણા વિચારો આપણા જીવનના ઘણા પાસા સાથે સંકળાયેલા છે. આપણે બાળપણથી મોટા થઈએ ત્યાં સુધીમાં અસંખ્ય અનુભવોમાંથી પસાર થઈએ છીએ. આ અનુભવો આપણા મનમાં કોઈ ઘટના કે વ્યક્તિ માટે અથવા તો પોતાના માટે એક છબી બનાવી દે છે. આ છબી જ આપણા ચશ્માં થઈને જીવનભર આપણી સાથે બની રહેતી હોય છે. કોઈ પ્રસંગ કે ઘટનાનું આપણે પોતે આપણા જ ચશ્માંથી અર્થ ઘટન કરી અને એક સ્ટોરી બનાવીએ છીએ. ટૂંકમાં, આપણા જીવનના લેખક, પટકથા, સંવાદ, નિર્માતા અને નિર્દેશક આપણે પોતે જ છીએ.
સ્કૂલમાં કોઈ સવાલ કે પાઠ સમજાય નહીં તો તરત મનમાં પ્રશ્ન કરવાનું મન થાય...ત્યાં તો અંદરનું મન વિચારે કે 'મને એમ કે બધાને કેવું લાગશે? બધા હસશે તો? પછી પૂછીશ 'ટીચર પૂછે કે તને ખબર નહોતી પડી તો કલાસમાં કેમ ન પૂછ્યું...મને એમ કે બધાની વચ્ચે નથી પૂછવું..એકલા હોવ ત્યારે હું સવાલ કરું....કારણ કે ... મને એમ કે બધાને કેવું લાગશે? ( અલ્યા જેને જે લાગવું હોય તે લાગવા દે.. આમાં ને આમાં આખી જિંદગી પસાર કરી નાખી).
રસ્તામાં જતાં થોડા અટવાઈ જઇએ તો પણ કોઈને પુછવાનું નહીં અને 'મને એમ કે કદાચ સાચો રસ્તો જ છે અથવા હમણાં રસ્તો મળી જશે' અને પાંચ દસ કિલોમીટર ખોટાં રસ્તે ચાલતા રહેવાનું. રસ્તામાં કેટલાય લોકો પસાર થાય પણ તેમને કેવી રીતે પૂછવું? 'મને એમ કે ....( અલ્યા તને જે લાગે તે...પૂછી લે ને...!!)
કોલેજમાં કોઈ વ્યક્તિ પસંદ હોય એની સાથે લગ્ન કરવાની ઈચ્છા હોય,પણ 'મને એમ કે એને નહીં ગમે' એવું વિચારીને એ સામેની વ્યક્તિને પ્રસ્તાવ મૂકે નહીં અને કોલેજના ત્રણ વર્ષ પસાર કરી દીધા જીવન વીતતું જાય પછી ઘણા વર્ષે અચાનક તે વ્યક્તિ રસ્તામાં મળી જાય જેને કોલેજમાં ચાહતો હતો. અને વાતો કરતા કરતા પસંદ કરવા બાબતે વાત નિકળી જાય તો ત્યારે પેલી વ્યક્તિ કહે કે 'પણ તો તે વખતે તેં મને કેમ ન કહ્યું..હું પણ વિચારતી હતી તારી સાથે જિંદગી જીવવા માટે?'એટલે ત્યારે કહેવામાં આવે કે 'તે વખતે એટલે ન કહ્યું કે મને એમ કે તને ખોટું લાગી જશે તો!!?' ત્યારે કહ્યું નહીં હવે ભલે બાકીના વર્ષો અફસોસ રહ્યા કરે..
માણસ પોતાની ગજા બહારનું દેવું કરી બેસે છે માત્ર એ વિચારથી કે મને એમ કે સૌ સારા વાના થઈ જશે. પણ એવું થતું નથી અને એક દિવસ કાં તેનું હ્દય બેસી જાય છે કાં તે ક્યાંક લટકી જાય છે! જીવનમાં ઘણી સમસ્યાઓનું મૂળ કારણ આ મને એમ કે છે.
મહિનામાં અમુક દિવસો પોતાના માટે પોતાનું પસંદગીનું કામ કરવા માટે જીવવું જોઈએ એ જાણવા છતાં મને એમ કે આ અત્યારે ફલાણુ ફલાણું કરી લઉં એટલે ફ્રી થઈને આવતા મહિને પસંદગી મુજબ જીવીશ, મને એમ કે આટલું આટલું આટલું કરી લઉ એટલે ફ્રી થઈને પછી ઈચ્છા મુજબ જીવું ત્યાં તો ઉંમરના એવાં પડાવ પર પહોંચી ગયા હોય કે પછી ફ્રી સમય હોય તો પણ શારીરિક ક્ષમતાને અભાવે ઈચ્છા મુજબ કંઈ કરી શકાથ નહીં.
'મને એમ કે' વિચારતા વિચારતા જીવન વીતી જતું હોય છે જીવન આખું આ રીતે પસાર થતું રહે છે.
સુરેશ પ્રજાપતિ
9426709778



